📑 પૂજ્ય મહંત સ્વામી મહારાજ 📑
📑 પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની એક અનુપમ ભેટ એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારિક નામ વિનુ પટેલ હતું. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવનદાસ યોગીજી મહારાજે રાખ્યું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થા કે જે શાસ્ત્રીજી મહારાજે ૧૯૦૭માં સ્થાપી હતી તે સંસ્થા આજે વટવૃક્ષ સમાન બની ગઈ છે. આજે જગતભરમાં BAPS સંસ્થાના ૧૨૦૦થી વધુ મંદિરો છે અને સેવા ભાવના યુક્ત જીવન જીવતા 1000 થી વધુ સંતો છે.

📑 પરમ પૂજ્ય મહંત સ્વામી ને ખુબ મોટો વારસો આપીને પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામ નિવાસી થયા હતા. મહંત સ્વામી પોતાના દરેક આશીર્વાદમાં કહે છે પ્રમુખસ્વામી બધું કરીને ગયા છે મારે કાંઈ કરવાનું બાકી નથી. સંપ, સુહૃદભાવ અને એકતાના હિમાયતી એવા મહંત સ્વામી આજે પ્રમુખ સ્વામી પછી છઠ્ઠા પ્રમુખ છે. ભગવાન સ્વામિનારાયણ પછી પરંપરા આવી રીતે ચાલી આવે છે: (1) ગુણાતીતાનંદ સ્વામી (2) ભગતજી મહારાજ (3) શાસ્ત્રીજી મહારાજ (4) યોગીજી મહારાજ (5) પ્રમુખ સ્વામી મહારાજ (6) અને હવે મહંત સ્વામી મહારાજ.

📑 નવાઈની વાત છે કે પ્રમુખ સ્વામીએ ચાણસદમાં બાળપણ વિતાવેલું જયારે મહંત સ્વામી મહારાજ મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરેલા. 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી. પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા.

📑 મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ હતું. બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્યો હતા. નવાઈની વાત છે કે શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ પ્રથમ તેમનું પારિવારિક નામ ‘કેશવ’ રાખેલું. સંસારી વિનુભાઈ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જન્મ સ્થળે જબલપુરમાં પૂરું ર્ક્યુ. પછી જબલપુરમાં મેટ્રીક પાસ થઈ તેઓ ત્યાંની ક્રિશ્ચિયન સ્કૂલમાં દાખલ થયા.

📑 પ્રાથમિક શિક્ષણ સાથે બાળ વિનુએ ૧૨મા ધોરણનો અભ્યાસ જબલપુરની ક્રિસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી જ કર્યો હતો. જ્યારે આગળ જતા એક ધરતીપુત્ર તરીકે તેમણે પોતાના ઉચ્ચતર અભ્યાસ માટે ખેતી વિષયમાં આણંદની યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી બેચલર્સ ઈન એગ્રિકલ્ચરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. . તમને નવાઈ લાગશે કે મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે!

📑 તેઓ કોલેજના અભ્યાસકાળ દરમિયાન વર્ષ ૧૯૫૧-૫૨ ના સમયગાળા દરમિયાન તેઓ યોગીજી મહારાજને મળ્યા અને તેમના વિચાર, તેમની જીવન પદ્ધતિ અને તેમના નિ:સ્વાર્થ પ્રેમની ભાવના જોઈને ખૂબ જ ભાવવિભોર થઈ ગયા. આગળ જતા મહંતસ્વામીએ પોતાના સ્વભાવને ધીમે ધીમે સંતના સાનિધ્યમાં વધારે વખત વિતાવવાનું શરૂ કર્યું. તેઓ તેમના અભ્યાસકાળમાં કોલેજના વેકેશન સમયમાં તેમનો મોટો વખત યોગીજી મહારાજ સાથે જ વિતાવતા હતા. તેમની નિર્ગુણ ભક્તિ સાથે નિ:સ્વાર્થ સેવાએ બાળક વિનુમાંથી યુવા વિનુને આત્મચિંતન કરીને અધ્યાત્મની લગની લગાવી આપી હતી. આગળ જતા તેમણે આધ્યાત્મિક જીવનમાં પોતાની જાતને વાળવાનો નિર્ણય લીધો ત્યારબાદ તેમને પ્રથમ પાર્ષદી દીક્ષા બીજી ફેબ્રુઆરી ૧૯૫૭ના રોજ પ્રાપ્ત થઈ.

📑 આ સમયે તેઓ ૨૪ વર્ષના હતા. પાર્ષદી દીક્ષા મળ્યા પછી તેમને વિનુ ભગત નામ આપવામાં આવ્યું. જ્યારે યોગીજી મહારાજ કોઈ સત્સંગ પ્રસંગે યાત્રા પ્રવાસ કરતા ત્યારે તેમની સાથે રહીને વિનુ ભગત પત્ર લેખનની સેવા કરતા. ૧૧ મે ૧૯૬૧ના રોજ વિનુ ભગતને ભાગવતી દીક્ષા આપવામાં આવી ત્યારે તેઓ ૨૮ વર્ષના હતા. ગઢડામાં તેમને ભાગવતી દીક્ષા આપી અને તે દિવસે નામ પાડ્યું : સાધુ કેશવજીવનદાસ.

📑 ૫૧ યુવા સંતોને મુંબઈના દાદરના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનું અધ્યયન કરવા માટે આજ્ઞા થઈ. અહીંયા સાધુ કેશવજીવનદાસજીને આ ૫૧ યુવાઓના ગ્રૂપના મુખ્યપદે નિયુક્ત કરવામાં આવ્યા. આ રીતે અનેકવિધ સંઘર્ષ સાથે આધ્યાત્મિક જિજ્ઞાસા અને જ્ઞાનપિપાસાએ બાળ વિનુને યોગીજી મહારાજનું સાંનિધ્ય કરાવ્યું અને તેમાંથી બાળ વિનુમાંથી વિનુ ભગત અને પછી સ્વામી કેશવજીવનદાસ અને પછી મહંત સ્વામી તરીકે સહુએ સંબોધ્યા.

📑 ૧૯૫૧માં મહંત સ્વામી, પ્રમુખ સ્વામીને મળ્યા. અને તેમની સાથે દેશ પરદેશમાં ધાર્મિક પ્રવાસ ર્ક્યો. પ્રમુખ સ્વામીએ સદગુરુ સંતોની હાજરીમાં અમદાવાદમાં ૨૦-૦૭-૨૦૧૨માં મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા. ત્યારબાદ ૧૩ ઓગસ્ટ-૨૦૧૬ના રોજ પ્રમુખસ્વામીના અક્ષરધામ ગમન બાદ મહંતસ્વામીને બી.એ.પી.એસ. પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવ્યા. તા. ૨૨ જુલાઇ, ૨૦૧૭ના રોજ ટોરન્ટો શહેરના મેયર જ્હૉન ટોરી દ્વારા સ્વામિનારાયણ મંદિરની ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપ તેમને ટોરન્ટો ટાઉનના ચાવીરૂપ વ્યક્તિ વિશેષ (key to the city) તરીકે સંબોધ્યા. અત્યારે મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયા દેશના ધર્મ પ્રવાસે છે.

📑 આ રીતે મહંત સ્વામીએ ૮૩ વર્ષની વયે પ્રમુખ સ્વામીના અક્ષરધામ ગમન બાદ વિધિવત રીતે BAPS સંસ્થાનું પ્રમુખપદ સંભાળ્યું. પરંતુ વિનમ્રતાની પરાકાષ્ઠા ગુરુના તમામ શિષ્યોમાં હોય એ વાતની પ્રતીતિ ત્યારે થઈ જ્યારે મહંત સ્વામીએ પ્રમુખ સ્વામીની પ્રથમ પ્રાથના સભા માં પ્રથમ સંબોધનમાં કહ્યું કે, જે કરવાનું હતું તે તો પ્રમુખ સ્વામી મહારાજે બધું કરી જ દીધું છે. હવે આપણે તેમના કાર્યોને અને તેમના ધ્યેયને વધુ સારી રીતે પાર પાડવાની જવાબદારી પૂરી કરવાની છે.

📑 આ રીતે યોગીજી મહારાજના અગ્રગણ્ય શિષ્યોમાં પ્રમુખસ્વામી બાદ મહંતસ્વામી જેમણે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના મૂલ્યોનું સત્સંગીઓમાં તો ઊંડે ઊંડે આચરણ કરાવ્યું જ પણ તે સાથે એક ઉચ્ચ કોટિના સંત હોવા છતાં તેનો લેશમાત્ર પણ અહંકાર કે પદના કોઈ અધિકારીપણાનો કોઈ દંભ કર્યા વગર પ્રમુખ સ્વામીએ કરેલા કાર્યોને જગતમાં વધુને વધુ ફેલાવી લોકોપયોગી થઈ સમાજને એક તાંતણે બાંધવા માટેની તેમની જવાબદારી સ્વીકારી ભગવાન સ્વામિનારાયણની અવિરત સેવા અને તેની સાથે જ દીન-દુ:ખિયાની સેવાનો ભેખ લઈ આજે વિશ્વ સમુદાયને એક તાંતણે બાંધવાનું કાર્ય કરે છે. પ્રમુખ સ્વામીએ જે રીતે કર્મ સાથે ધર્મના મૂલ્યો સમજાવ્યા હતા તે મુજબ સંસાર સાગરને પાર ઉતારવા માટે અક્ષર પુરુષોત્તમનો આશ્રય કરીએ તો આપણે કંઈ કરવાનું જ ન રહે બધું જ ભગવાન કરશે અને સારું જ કરશે એવો દ્રઢ મનોભાવ પણ વ્યક્ત કર્યો.
📑 પ.પૂ. મહંત સ્વામી એ સર્વે ભક્તોને આધ્યાત્મ સાથે બાંધીને પોતાની જીવન નૌકાને પાર પાડવા માટેના આહવાન સાથે સત્સંગમાં જોડાઈ જીવન સફરને ઉન્નત કરવાનું આહવાન કર્યું છે. મહંત સ્વામીજીના આ સંદેશ સાથે સર્વે ભાવિક ભક્તો અને સત્સંગીઓને શુભેચ્છાઓ સાથે જય સ્વામિનારાયણ…!
No comments:
Post a Comment